OpenAI Deployment Company Northslopeને હસ્તગત કરશે

Northslope મહત્વપૂર્ણ કામ માટે બનેલી AI સિસ્ટમોની વધતી સંસ્થાકીય માંગ પૂરી કરવા શ્રેષ્ઠ કક્ષાના કાર્યસ્થળે તૈનાત ઇજનેરો, એટલે કે FDEs, જોડશે.

આજે અમે જાહેરાત કરીએ છીએ કે OpenAI Deployment Company Northslopeને હસ્તગત કરવા સંમત થઈ છે. વ્યવહારલક્ષી AI કંપની Northslope સંસ્થાઓને તેમની સૌથી મહત્વપૂર્ણ કામગીરીમાં AIનો પૂરો લાભ મેળવવામાં મદદ કરે છે. Northslopeને જોડવાનું પગલું OpenAI Deployment Company દ્વારા તાજેતરમાં કરાયેલા Tomoroના અધિગ્રહણને આગળ ધપાવે છે. તે સેંકડો FDEsને એકસાથે લાવી વિશ્વની સૌથી મહત્વપૂર્ણ કંપનીઓને AIથી વધુ ઝડપથી પરિણામો મેળવવામાં મદદ કરશે.

ગ્રાહકોને તેમના વ્યવસાયમાં દરરોજ અત્યાધુનિક AIનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે OpenAI Deployment Companyની આ વર્ષની શરૂઆતમાં સ્થાપના કરવામાં આવી હતી. OpenAI અને વિશ્વની 19 અગ્રણી રોકાણ કંપનીઓ, સલાહકાર કંપનીઓ તથા સિસ્ટમ સંકલનકર્તાઓ વચ્ચેની પ્રતિબદ્ધ ભાગીદારી તરીકે રચાયેલી આ કંપની યોગ્ય પ્રક્રિયાઓ પસંદ કરવાથી માંડી વાસ્તવિક પરિસ્થિતિની સુરક્ષા અને સંચાલન સંબંધિત જરૂરિયાતો પૂરી કરવા સુધી, સંસ્થાકીય અમલીકરણ માટે જરૂરી વ્યાપ અને પ્રત્યક્ષ સહાય પૂરી પાડે છે. 

Northslope આ પ્રકારની વ્યવસાયમાં સીધી સંકલિત અમલીકરણ કામગીરીમાં નિષ્ણાત છે અને કંપનીઓ ખરેખર જે રીતે કામ કરે છે તેને અનુરૂપ AI ઉકેલો આપે છે. આ ટીમ વિવિધ ક્ષેત્રોમાં અત્યંત મહત્વપૂર્ણ ઉપયોગોને ટેકો આપે છે. તેમાં આરોગ્યસંભાળમાં કેન્સરની ઝડપી ઓળખ, ઉત્પાદન ક્ષેત્રમાં પુરવઠા શૃંખલાના ઓછા અવરોધો અને ઊર્જા ઉત્પાદકો માટે ગ્રિડમાં વધુ મેગાવોટ નવીનીકરણીય વીજળી ઉમેરવાનો સમાવેશ થાય છે. 

વિશ્વભરમાં Northslopeના FDEs અગ્ર હરોળના કર્મચારીઓ સાથે ખભેખભો મિલાવી એવી ઉત્પાદન-સ્તરની AI સિસ્ટમો બનાવે છે જે નફાકારકતા પર માપી શકાય તેવી અસર કરે છે. Northslopeની અમલીકરણ ટીમની ક્ષમતાનો પુરાવો એ છે કે તે Palantir Vanguard: Elite નેટવર્કનું પ્રથમ સભ્ય બન્યું હતું. 2025માં Northslopeની આવક સાત ગણી વધી હતી અને હવે તે અમેરિકા, યુરોપ તથા મધ્ય પૂર્વના ગ્રાહકોને સહાય આપે છે. 

સંસ્થાઓમાં AI અમલીકરણની માંગ ઝડપથી વધી રહી છે

હવે 20 લાખથી વધુ વ્યવસાયો OpenAIનો ઉપયોગ કરે છે, જે એક વર્ષ અગાઉની સંખ્યા કરતાં બમણી છે, અને સંસ્થાકીય વૃદ્ધિનો વેગ સતત વધી રહ્યો છે. દર અઠવાડિયે 50 લાખથી વધુ સક્રિય વપરાશકર્તાઓ સાથે Codex દર્શાવે છે કે એજન્ટિક AI સંસ્થાઓ માટે કેટલું મૂલ્યવાન બની શકે છે. GPT‑5.6 જેવા મોડલ વધુ સક્ષમ અને કાર્યક્ષમ બનતાં જશે તેમ આ મૂલ્ય પણ વધતું રહેશે.

OpenAI Deployment Company નાણાકીય સેવાઓ, ઊર્જા, સોફ્ટવેર અને ઔદ્યોગિક ક્ષેત્રોની સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ કામગીરી માટે AI સિસ્ટમો પર પહેલેથી જ કામ કરી રહી છે. Tomoroના અધિગ્રહણને આગળ ધપાવતાં Northslope અમારી અમલીકરણ ક્ષમતા નોંધપાત્ર રીતે વધારીને સેંકડો FDEs સુધી પહોંચાડશે. વિસ્તૃત ટીમ વ્યવસાયના અગ્રણીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓ સાથે મળીને તેમના વ્યવસાયને ચલાવતી કાર્યપ્રણાલીઓ ઓળખશે, કાર્યક્ષમતા વધારવાની તકો શોધશે અને લાંબા ગાળાની વૃદ્ધિ માટે AI સિસ્ટમો બનાવશે.  

આગળ શું થશે

આ અધિગ્રહણ જરૂરી નિયમનકારી મંજૂરીઓ મેળવવા સહિત સોદો પૂર્ણ કરવાની પ્રચલિત શરતોને આધીન છે. સોદો પૂર્ણ થાય ત્યાં સુધી OpenAI Deployment Company અને Northslope અલગ તથા સ્વતંત્ર કંપનીઓ તરીકે કાર્યરત રહેશે.

સોદો પૂર્ણ થયા પછી Northslopeની ટીમ OpenAI Deployment Companyમાં જોડાશે. તેનાથી વાસ્તવિક ઉપયોગ માટે જરૂરી સુરક્ષા, સંચાલન અને વિશ્વસનીયતાની જરૂરિયાતો પૂરી કરતાં ગ્રાહકોને મુખ્ય કામગીરીમાં AI અમલમાં મૂકવામાં મદદ કરવાની અમારી ક્ષમતા વધશે. સોદો પૂર્ણ થયા પછી OpenAI Deployment Companyના ભાગરૂપે Northslope, Palantir સાથેની ભાગીદારીમાં અત્યાધુનિક AIના અમલીકરણને આગળ ધપાવતા પસંદગીના સંયુક્ત વ્યાવસાયિક પ્રકલ્પોમાં પણ ગ્રાહકોને સહાય કરી શકે છે.